સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ફોર્મને લઇને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતુ. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે.
સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થતા હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા આઠ ઉમેદવારો મેદાનમાં હતા અને આ આઠમાંથી બાકીના 7 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. સુત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઈ જાય તો નવાઈ નહીં અને જો એવું થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બનશે.
સુરતમાં કોંગ્રેસ 73 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૂંટણી લડી શકશે નહીં
સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે 18મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડયા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નામોશી માટે કોણ જવાબદાર? તે ચર્ચાનો વિષય બન્યો છે.
==========================================================