અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં 1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ મંગળવારે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટુર્નામેન્ટ માટે 15 સભ્યની ટીમ જાહેર કરી છે.IPLમાં સારી બેટિંગ કરી રહેલા સંજુ સેમસન અને રિષભ પંતને વિકેટકીપર તરીકે પસંદ કર્યા છે. હાર્દિક પંડ્યાની સાથે શિવમ દુબેની પણ પેસ બોલિંગ ઓલરાઉન્ડરની શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે.
શુભમન ગિલ અને રિંકુ સિંહ મુખ્ય ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. તેમને ટ્રાવેલિંગ રિઝર્વનો ભાગ બનાવવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે
ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ટીમની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે થશે.
કેનેડા અને અમેરિકા વચ્ચે ઓપનિંગ મેચ
ટુર્નામેન્ટની શરૂઆતની મેચ હોમ ટીમ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે. આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં જ રમાશે. સેમિફાઈનલ પહેલાં કુલ 52 મેચ રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજની 40 મેચ અને સુપર-8 સ્ટેજની 12 મેચ સામેલ છે.
પ્રથમ સેમિફાઈનલ 26 જૂને ગયાનામાં અને બીજી સેમિફાઈનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 દિવસ સુધી કુલ 55 મેચ રમાશે, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે.