ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીની
કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે.
11 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ હતી. આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધીમાં ચાલી હતી. પરીક્ષાની સાથે જ શિક્ષકોના મધ્યસ્થન મૂલ્યાંકન માટેના ઓર્ડર આવ્યા હતા. શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે જ શરૂ કરી હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે. ત્યાર બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે.
આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથીથશે
મહત્વનું છે કે, અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહીનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે. તબક્કાવાર ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થશે. પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે.
આ વર્ષે ચૂંટણી હોવાથી પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે
આ અંગે બોર્ડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ વર્ષે ચૂંટણી હોવાથી પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. આજે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં બોર્ડની કચેરી દ્વારા આગળની પ્રક્રિયા કરવામાં આવશે. ઝડપથી પરિણામ તૈયાર કરી એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.