TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત
24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લવાયા
સૌથી વધુ મોત બાળકોના થયાની આશંકા
રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં મૃત્યુઆંક વધીને 33 થઈ ગયો છે. તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.
મોટા પ્રમાણમાં રખાયો હતો પેટ્રોલ- ડીઝલનો જથ્થો
મળતી માહિતી મુજબ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. રાજકોટ TRP ગેમ ઝોન ખાતે જુદી જુદી રાઈડ માટે વપરાશમાં લેવા માટે હજારો લિટર પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગેમઝોનમાં 2000 લીટર ડીઝલનો જથ્થો હતો તો સાથે સાથે પેટ્રોલનો પણ 1500 લીટરનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો મોત પ્રમાણમાં રાખવામાં આવેલ આ પેટ્રોલ-ડીઝલના જથ્થાને કારણે આગ વિકરાળ બની ગઈ હતી જેને 32 લોકોના ભોગ લીધા છે.
આજે રખાઇ હતી 99માં ફ્રી એન્ટ્રીની ઓફર
તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ગેમ ઝોન ખાતે રેસીંગ કાર માટે ઉપયોગમાં લેવા માટે રાખવામાં પેટ્રોલ-ડીઝલનો આટલો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો વધુમાં જાણવા મળ્યું છે કે આજે ગેમઝોનમાં 99 રૂપિયામાં ફ્રી એન્ટ્રીની ઓફર આપવામાં આવી હતી.
IPS સુભાષ ત્રીવેદીની આગેવાનીમાં કમિટીની રચના
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ઘટનાની તપાસ માટે ગુજરાત સરકાર દ્વારા 5 સભ્યો વાળી SITની રચના કરવામાં આવી છે. IPS સુભાષ ત્રીવેદીની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. તેમજ, આ કમિટીમાં IAS બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ. પી. સંધવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે. એન. ખડિયા અને એમ. બી. દેસાઈ કમિટીના સભ્યો રહેશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આ કમિટી 10 દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરશે.
રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો
રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. તો, હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં એક પણ મૃતદેહ મૂકવાની જગ્યા નથી રહી. એક તરફ મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં આક્રંદ કરી રહ્યા છે તો બીજી બાજુ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે જગ્યા નથી રહી. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે. 2 કલાકથી વધુ સમયથી મૃતદેહ બહાર રાખવા પડ્યા હતા.
રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ
રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે.
હાલ, ફાયરના જવાનો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગેમઝોનના પહેલા માળેથી તમામ મૃતદેહો બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હવે ગેમ ઝોનના બીજા માળે તપાસ કરવામાં આવી રહી છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે.
જાણવા મળી રહ્યું છે કે, કાલાવડ રોડ પર આવેલ TRP જેમ ઝોનમાં લાગે આગ એટલી ભીષણ છે કે ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયર વિભાગની ટીમોનો આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. મહત્વનું છે કે સયાજી હોટલ પાસે આવેલા ગેમ ઝોનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. તો, છેલ્લે મળતી માહિતી મુજબ અનેક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવી છે.
તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આગ લાગતાં મચી ગયેલ અફરાતફરી બાદ 10 થી 15 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો, આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો, 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો હાલ ગેમઝોનમાં લાગેલ આપ કાબૂ મેળવવા ફાયરની ટીમો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ, ફાયર વિભાગ દ્વારા TRP ગેમઝોન ખાતે ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા હતી કે નહિ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તો આગ એટલી ભીષણ હતી કે TRP ગેમઝોન આખું બળીને ખાખ થઈ ગયું છે. એટલું જ નહિ આગને કારણે આખું સ્ટ્રક્ચર પડી ગયું છે.
તો આગ લાગવાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. આમ તો આગને કારણે 2 બાળકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે જોકે, રાજકોટ કોર્પોરેશન દ્વારા હજુ મોતની પૃષ્ટિ કરવામાં આવી નથી. તો, ગેમઝોનની આગમાં જે લોકો ફસાયા છે તે લોકોના પરિજનો ગેમઝોનની બહાર આક્રંદ કરતાં જોવા મળ્યા. ઘટનાસ્થળે ડોક્ટરની ટીમો પણ પહોંચી ગઈ છે. રાજકોટ પોલીસ કમિશનર, ધારાસભ્ય રમેશ ટિલાળા ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હાલ તો, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. જોકે, પતરાનો શેડ હોવાથી અંદર જવા ફાયરની ટીમને મુશ્કેલી પડી રહી છે. તો, ગેમઝોન પાસે ફાયર NOC હતી કે નહીં તેને લઈને પણ તપાસ થવી જરૂરી છે. ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ? તો હાલ એક મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો ગેમઝોનમાં કોઈ મોત થાય છે તો તેના માટે જવાબદાર કોણ? હાલ તો ગેમઝોનના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી રહી છે. કારણ કે હાલ ગેમઝોનના સંચાલકો અને સ્ટ્રક્ચરની ડિઝાઇન પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રકારના ગેમઝોનને મંજૂરી કેમ આપવામાં આવે છે. આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપતા પહેલા કોઈ ચકાસણી કરવામાં આવે છે કે કેમ? આડેધડ આ પ્રકારના ગેમઝોનને મંજૂરી આપવા પાછળ જવાબદાર કોણ?